શહીદ જેઠા બાપોદરા ****************
શહીદ જેઠા બાપોદરા
****************
-ભરત બાપોદરા
'મા ! મારે લશ્કરમાં ભરતી થાવું છે.'
'દીકરા, તું મલકનું ભઈણો છે તો તુંણી બીજી સારી નોકરી મળે રીહે, લશ્કરમાં તો જાનનું જોખમ : કાર લડાઈ થાય ને કાર જીવ ખોવાનો વારો આવે. તેથી તું બીજી કોઈ સારી નોકરી ગોતે લે.'
'ના-ના, મા ! મારે નોકરી કરવી છે તો સૈનિકની જ કરવી છે, ભઈલી ઈમાં જાનનું જોખમ હોય, હું મરીહ તોય જગત મણી યાદ કરહે.'
'પણ દીકરા ! તુંણી લશ્કરમાં જાવા દેતાં મારું મન માનતું નેત.'
'અરે, મા ! એક દી તાં બધાયની મરવાનું છે, તો હું એવી રીતે નો મરાં કે દુનિયા મણી યાદ કરે. માટે મણી લશ્કરમાં ભરતી થાવા દે.'
પોરબંદરની માધવાણી કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવીને બહાર આવેલા જેઠા બાપોદરા અને એની મા વાલી વચ્ચે થયેલો આ સંવાદ હતો.
બાપોદર ગામમાં બની ગયેલી કરુણ પ્રેમની ઘટનાને ઝવેરચંદ મેઘાણીએ 'ઓળીપો' નામની જે વાર્તામાં આલેખીને 'સૌરાષ્ટ્રની રસધાર' પુસ્તકમાં પ્રગટ કરી છે, એ વાર્તાના મુખ્ય પાત્ર એવા નથુ મેરની બીજી પત્નીથી થયેલાં સંતાનોમાંના એક એટલે હરદાસ. આ હરદાસનો દીકરો જેઠો. પિતા હરદાસ અને માતા વાલીને ખાનદાન ખોરડે તારીખ ૫, જુલાઈ, ૧૯૬૫ના રોજ જેઠાનો જન્મ થયો હતો. સ્નાતક થયા પછી જેઠાની ઈચ્છા ભારતીય લશ્કરમાં ભરતી થવાની હતી, પણ એની મા વાલી ઈચ્છતી નહોતી કે પોતાનો દીકરો લશ્કરમાં ભરતી થાય. પરંતુ આખરે જેઠાએ પોતાના મનનું ધાર્યું જ કર્યું. તારીખ ૪, એપ્રિલ, ૧૯૮૮ના રોજ એણે બિહાર રાજ્યના પટના જિલ્લામાં આવેલા મોકામાઘાટ ટ્રેનિંગ સેન્ટર ખાતે ૯૫ સીઆરપીએફના જવાન બનવાની તાલીમ શરુ કરી. એક વર્ષની તાલીમ લીધા પછી ભૂટાન બોર્ડર પર હાસીમારા ખાતે એને સૈનિક તરીકે નિમણૂક થઈ. એક વર્ષ સુધી ત્યાં સેવા આપી. એ અરસામાં આસામના પહાડી વિસ્તારમાં ઊલ્ફા ઉગ્રવાદી અને બોળો ઉગ્રવાદી સંગઠનો આતંક મચાવી રહ્યાં હતાં. એ વખતે કે. પી. એસ. ગિલ સીઆરપીએફના વડા હતા. એમણે ભૂટાન બોર્ડર પરથી સીઆરપીએફના જવાનોને ખસેડીને આસામના પહાડી વિસ્તારમાં તૈનાત કર્યા. સીઆરપીએફના જવાનોએ થોડા સમયમાં જ ઊલ્ફા ઉગ્રવાદીઓ અને બોળો ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવી દીધો. એમાં જેઠા બાપોદરાએ ભારે પરાક્રમ દાખવ્યું હતું. ૯૫ સીઆરપીએફના જવાનોએ દાખવેલા આ પરાક્રમથી ખુશ થઈને કે. પી. એસ. ગિલે સીઆરપીએફના એ યુનિટને 'ક્વોલિફાઈડ યુનિટ' કહીને બિરદાવ્યું હતું.
આસામમાં ઊલ્ફા ઉગ્રવાદીઓ અને બોળો ઉગ્રવાદીઓનો ખાત્મો બોલાવીને ત્યાંના પહાડી વિસ્તારમાં માંડ શાંતિ સ્થપાણી ત્યાં તો અયોધ્યામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. એને શાંત કરવા માટે સીઆરપીએફના જવાનોને અયોધ્યા મોકલવામાં આવ્યા. સીઆરપીએફના જવાનોએ અયોધ્યામાં ભારે પરાક્રમ દાખવીને કોમી રમખાણોનો નિવેડો લાવ્યો. અયોધ્યામાં માંડ માંડ શાંતિ સ્થપાણી ત્યાં બિહારમાં ભાગલપુર ખાતે કોમી રમખાણ ફાટી નીકળ્યું. એટલે સીઆરપીએફના આખા યુનિટને ત્યાં ખસેડવામાં આવ્યું. એ દરમિયાન પંજાબમાં ચૂંટણી આવી અને કોંગ્રેસની સરકાર બની. બિયંતસિંહ મુખ્યમંત્રી બન્યા. એ વખતે ખાલિસ્તાની આતંકવાદીઓ પંજાબમાં તોફાન મચાવી રહ્યા હતા. એને કડે કરવા માટે સીઆરપીએફના યુનિટને ત્યાં ખસેડવામાં આવ્યું. ખાલિસ્તાની આતંકવાદીઓ પંજાબમાં ખાસ કરીને રેલ્વે ઉડાવી દેવા માટેની પ્રક્રિયાને મહત્ત્વ આપી રહ્યા હતા, જેથી કરીને એક સાથે અનેક લોકોને મારીને સરકારને ઝુકાવી શકાય. એટલે ખાલિસ્તાની આતંકવાદીઓનાં જૂથો રેલ્વે સ્ટેશનો પર ખાસ નજર રાખતાં હતાં. પંજાબ સરકારે એ બાબતને ધ્યાનમાં રાખીને સીઆરપીએફના જવાનોની જુદાં જુદાં યુનિટોમાં વહેંચણી કરીને દરેક યુનિટને પંજાબના બધાં રેલ્વે સ્ટેશનો પર તૈનાત કર્યાં. એમાં જેઠા બાપોદરા સહિત બત્રીસ જવાનોના એક યુનિટને લુધિયાણાના સાનેવાલ રેલ્વે સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યું. આ યુનિટના જવાનો રેલ્વે સુરક્ષા માટે રાતદિવસ ખડે પગે સેવા આપી રહ્યા હતા. તેઓ જે જગ્યાએ વિશ્રામ લેવાનો હોય, એ જગ્યા અંગે મસલત કરીને રેલ્વેના પાટા પર પચાસ ફૂટને અંતરે આગળ વધતા.. એમાં તારીખ ૧૪, એપ્રિલ, ૧૯૯૨ની રાતના બારેક વાગ્યે આ યુનિટના જવાનો રેલ્વેના પાટા પર પચાસ ફૂટને અંતરે આગળ વધી રહ્યા હતા. સૌથી પાછળ જેઠા બાપોદરા હતો અને એની આગળ ડોગરા (હિન્દુ) જાતિનો કાશ્મીરી જવાન હતો. જેઠા બાપોદરા પાસે એકે સુડતાલીસ રાયફલ, વાયરલેસ અને હેન્ડ ગ્રેનેડ હતાં. યુનિટના બધા જવાનો નિશ્ચિત સ્થળે પહોંચી ગયા, પરંતુ જેઠા બાપોદરા જોવામાં ન આવતાં બધા જવાનો ચિંતિત બની ગયા. 'જેઠો કેમ ન આવ્યો? એનું શું થયું હશે?' એવા સવાલો બધાના મનમાં થયા. એમાં જેઠા બાપોદરાની આગળ ડોગરા (હિન્દુ) જાતિનો જે કાશ્મીરી જવાન હતો, એણે કહ્યું કે : 'મને ભડાકો થયો હોય એવો અવાજ સંભળાયો હતો, પરંતુ રેલ્વેના ખળભળાટમાં મને એનો અહેસાસ થયો નહોતો...'
કાશ્મીરી જવાનના આ શબ્દો સાંભળીને બધા જવાનો પાછા ફર્યા...આગળ વધતાં વધતાં તેઓને રેલ્વેના પાટા પર એક જગ્યાએ જેઠા બાપોદરાનો મૃતદેહ મળ્યો. મૃત હાલતમાં મળી આવેલા જેઠા બાપોદરાની બાજુમાં એકે સુડતાલીસ રાયફલ, વાયરલેસ અને હેન્ડ ગ્રેનેડ પડેલાં હતાં અને એ ત્રણેય ડેમેજ થયેલાં હતાં. એના પરથી સૌને ખ્યાલ આવી ગયો કે જેઠો શહીદ થઈ ગયો હતો. સીઆરપીએફના હેડ ક્વાર્ટરને એ અંગેની જાણ કરવામાં આવી, હેડ ક્વાર્ટર દ્વારા કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી. કેન્દ્ર સરકાર અને સીઆરપીએફના હેડ ક્વાર્ટર દ્વારા પૂરા માન-સન્માનથી તારીખ ૧૬, એપ્રિલ, ૧૯૯૨ના રોજ શહીદ જેઠા બાપોદરાના મૃતદેહને બાપોદર ગામે પહોંચાડવામાં આવ્યો અને સમસ્ત બાપોદર ગામના લોકોની હાજરીમાં સીઆરપીએફના જવાનોએ રાષ્ટ્રધ્વજ અને રાયફલ સાથે શહીદ જેઠા બાપોદરાને સલામી આપી. ઉપસ્થિત દરેકની આંખમાં આંસુ છલકાઈ રહ્યાં હતાં અને છાતી ગૌરવની ભાવનાથી ગજ ગજ ફૂલી રહી હતી. એ વખતે બધાને એવું લાગતું હતું કે જાણે શહીદ થયેલો જેઠો પેલું ગીત ગણગણતો ન હોય :
કર ચલે હમ ફિદા જાનું તન સાથિયો,
અબ તુમ્હારે હવાલે વતન સાથિયો.
***
તારીખ ૧૪, એપ્રિલ, ૨૦૨૩ના રોજ એકત્રીસમા વર્ષે બાપોદર ગામમાં શહીદ જેઠા બાપોદરાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે.
(સૌજન્ય : માલદે ખીમા બાપોદરા, કેશુ હરદાસ બાપોદરા અને રામા હરદાસ બાપોદરા)
Comments
Post a Comment